‘નયામાર્ગ ‘ દ્વારા એક નવો આરંભ


વંચીતો–રહીતો માટેનો અવાજ હવે વીશ્વભરમાં સંભળાશે

ડૉ. યોગેન્દ્ર વ્યાસ

        આપણો સમાજ કાયમ માટે બે વર્ગોમાં વહેંચાયેલો જોવા મળે છે : ભણેલો અને અભણ; શાહુકાર અને ગરીબ; સહીતો(have) અને રહીતો(have not); શેઠ અને નોકર; ઉંચો અને નીચો. આ બંને વર્ગોમાંનો પ્રથમ હંમેશાં બળવાન અને બોલકો રહ્યો છે. આપણો સમાજ પૌરાણીક સંદર્ભમાં ભારતીય સંસ્કૃતીની કે આજના સંદર્ભમાં લોકશાહીની ગમે તેટલી દુહાઈ દે; પણ આપણો બીજો વર્ગ ઉપેક્ષીત જ રહ્યો છે. કરુણતા તો એ છે કે પ્રથમ વર્ગ દ્વારા જ એવી સામાજીક વ્યવસ્થાઓ ગોઠવાતી રહી છે કે જેને કારણે આ બીજા વર્ગને ક્યારેય ઉંચે આવવાની તક મળતી નથી !

       આપણું સાહીત્ય,  આપણું મીડીયા, આપણા ધર્મ-સંપ્રદાયો અને ક્યારેક તો શીક્ષણપ્રથાઓમાં પણ જોઈશું તો, સમાજના પ્રથમ વર્ગને જ જાણ્યે–અજાણ્યે વીશેષ મહત્ત્વ અપાતું જોવા મળશે ! આ બધામાં સંખ્યાની દૃષ્ટીએ સમાજનો ખરેખર જે વીશાળ વર્ગ છે–બલકે સમાજના વીકાસમાં જેનું અત્યંત મહત્ત્વનાં પરીશ્રમ–પ્રદાન છે તે, આ બીજો વર્ગ જ ‘ઉંચો’ ગણાવો જોઈએ . એને બદલે એ જ વર્ગ ઉપેક્ષીત રહે છે !

       આ બધાં પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે, આ વર્ગ વીશાળ અને મહત્ત્વનો હોવા છતાં એ બોલકો નથી. એને પોતાની વાત સમાજ પાસે રજુ કરવાની કાં તો જરુર જણાઈ નથી, કાં તો એની પાસે એ માટે સમજ – સગવડ – સજ્જતા નથી કે પછી તાકાત જ નથી. આપણા સાંસ્કૃતીક – ધાર્મીક આગેવાનો, શીક્ષણાચાર્યો અને કેટલાક રાજા-મહારાજાઓએ પણ આપણને આ મોટા છતાં નબળા વર્ગ તરફ વધુ ધ્યાન આપવાનું સુચવ્યું છે.

આવા સંજોગોમાં આજે જે કાંઈ કામો આ નબળા મોટા વર્ગના લાભાર્થે થઈ રહ્યાં છે તેની સંખ્યા બહુ નાની છે. આ વર્ગનો અવાજ બુલંદ કરીને સૌ સમક્ષ મુકવાનું કાર્ય સૌથી વધુ જરુરી અને તાકીદનું છે . આવાં કામોમાં દૈનીકો – સામયીકો ઘણાં મોટાં અને હકારાત્મક પરીણામો લાવી શકે છે .

આવા જ મહત્ત્વના હેતુસર ગુજરાતનું એક સામયીક (પાક્ષીક)  યથાશક્તી કાર્ય કરી રહ્યું છે જેનું નામ છે ‘નયામાર્ગ’.  આ સામયીકે આજદીન સુધી વંચીતોને માટે જે કર્યું છે તેવું બહુ ઓછાં સામયીકો કરી શકે. સ્વ. ઝીણાભાઈ દરજીના પ્રબળ પુરુષાર્થે કરીને જે કેટલીક સામાજીક પ્રવૃત્તીઓ ગુજરાતમાં આરંભાઈ તેમાં ‘ગુજરાત ખેતવીકાસ પરીષદ’ સંસ્થાનું નામ બહુ ગણનાપાત્ર છે. આ સંસ્થાએ વંચીતો અને દલીતો માટે જે પાયાનું અને નક્કર કાર્ય કર્યું છે તેને વાચા આપવા માટે ‘નયામાર્ગ’ નામથી આરંભાયેલા આ સામયીકે જબરો પ્રયત્ન કર્યો છે. સમાજસેવા માટે પોતાની બૅન્કની ઉજ્જવળ કારકીર્દીને ઠુકરાવીને આ મહત્ત્વના કાર્યમાં જંપલાવનાર શ્રી. ઈન્દુકુમાર જાની ** આ પાક્ષીકના વર્તમાન તંત્રી છે. વર્ષોથી આ સામયીકના પ્રકાશન દ્વારા તેમણે સમાજના કચડાયેલા આ મોટા અબોલ વર્ગની વાતને વાચા આપી છે. સામાજીક સંતુલન વીનાની કોઈ સેવાને સમાજસેવા કહી શકાય નહીં . ‘નયામાર્ગ’ પોતાની આ વાત ડંકાની ચોટ પર કહે છે.

‘નયામાર્ગ’ની એક બીજી પણ વીશેષતા તરફ ધ્યાન ખેંચવાનું મન થાય છે. કોઈ પણ સામયીક પોતાની વાત સમાજના વીશાળ વર્ગ સમક્ષ રજુ કરવા માટે ભાષાના માધ્યમને અવગણી શકે નહીં. ‘નયામાર્ગ’  એ અર્થમાં ગુજરાતીનાં સામયીકોને સરળ માર્ગ બતાવે છે. આપણી ભાષાના પંડીતોએ પોતાનો કક્કો ખરો રાખવા માટે જોડણીના જે અંધાધુંધ નીયમો કરી રાખ્યા છે તેને અતીક્રમીને ‘નયામાર્ગ’ નવો માર્ગ ચીંધી રહ્યું છે. આ સામયીક એવી જોડણીમાં લખાય છે જે ગુજરાતીમાં લખનારા – વાંચનારાને અનુકુળ હોય અને સૌને હાથવગી હોય.

1999ના જાન્યુઆરીમાં ઉંઝા ખાતે પહેલી જોડણીપરીષદ ભરાઈ ત્યારે તેમાં હાજર રહેલા વીદ્વાનો, કર્મશીલો, સાહીત્યકારો,શીક્ષકો-અધ્યાપકો, તંત્રીઓએ બહુમતીથી જે અત્યંત મહત્ત્વનો નીર્ણય કર્યો, તેમાં ગુજરાતી ભાષાની જોડણીની અરાજકતાની સામેના એક આંદોલનને અવકાશ મળ્યો છે. આપણી ભાષા આજે અઘરી, અતાર્કીક અને અરાજકતાભરી જોડણીએ, સમાજના બહુ મોટા વર્ગને ગુજરાતી લેખન–વાચનથી દુર રાખ્યો છે. તેથી ઉંઝાના એ સંમેલનમાં ઠરાવાયું કેઃ– “ગુજરાતીમાં ની જોડણીના વીદ્યાપીઠના કોશના નીયમો અતાર્કીક અને ઘણી અસંગતીઓથી ભરેલા છેતેમ જ ગુજરાતી ભાષામાં નું હ્રસ્વત્વદીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી એ નીયમો હવે છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક  ‘ઈ અને ’ યોજવા.

આ ઠરાવ જેવો મંજુર થયો કે તરત જ એને અનુસરવાનો દૃઢ સંકલ્પ કરનાર અને પુરી નીષ્ઠાથી અમલમાં મુકનાર તે શ્રી .ઈન્દુકુમાર જાની ! ‘નયામાર્ગ’ નો અંક પ્રેસમાં તૈયાર થઈને પડ્યો હોઈ સંમેલન પછીના તરતના બીજા જ અંકથી એમણે આ નવી  ‘ઉંઝાજોડણી’માં અંકો છાપવાનું શરુ કરી દીધું જે અવીરતપણે આજે પણ ચાલી રહ્યું છે. શ્રી. ઈન્દુકુમારે તો સંમેલનનીય પહેલાંથી આ અંગેનો નીર્ણય મનોમન કરી જ લીધો હતો,  બલકે એમણે તો એકવાર હળવાશથી એમ પણ કહ્યું હતું કે, આ આંદોલનના પ્રણેતાઓ પણ જો આમાંથી ડગે તોય  ‘નયામાર્ગ’ તો આ ઠરાવને જ વળગી રહેશે ! આજે ઈન્દુભાઈના સંચાલનથી કાર્યરત‘ગુજરાત ખેતવીકાસ પરીષદ’ની ઓફીસ પર જ, જેને કોઈ પણ પ્રકારનું ભંડોળ નથી એવી આ ‘ગુજરાતી ભાષાપરીષદ’ની કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, આ પરીષદની કામગીરીના પ્રસાર-પ્રચારના સમાચાર તેમ જ ભાષા વીષયક કટલાક મુદ્દાઓ ચર્ચવાના હેતુસર વીદ્વજ્જનોના લેખો સમાવતી, દર બે મહીને એક વધારાની આઠ પાનાંની  ‘ભાષાવીચાર પુર્તી’ (સંપાદકઃ મનીષી જાની અને કીરણ ત્રીવેદી) પણ ‘નયામાર્ગ’માં એમના સૌજન્યથી નીયમીત પ્રકાશીત થાય છે.

‘નયામાર્ગ’ હંમેશ સૌને માર્ગ બતાવી રહ્યું છે ત્યારે   વંચીતો માટેના તેના આ પાયાના અને અતી મહત્ત્વના કાર્યનું વધુ ને વધુ પ્રસારણ થાય અને વંચીતો માટેનો અવાજ વીશ્વસમસ્તના વીશાળ વર્ગને સંભળાય તે પણ એટલુ જ તાકીદનું છે.

 

આમ, ગુજરાતમાં, ભારતવર્ષમાં અને દુરસુદુર દેશાવરમાં પણ વસતાં લાખો ગુજરાતી પરીવારોમાં હવે ગુજરાતની આ વીચારધારા અને પ્રવૃત્તી વીશેની જાણકારી પહોંચશે. આપ સૌ તે વાંચો, વીચારો, ચર્ચો અને એક માનવતાવાદી પુરુષાર્થ તરીકે યથાશક્તીમતી વંચીતો માટેના આ અવાજને બુલંદ બનાવવા સારુ સમર્થન બક્ષો, બસ એ જ અમારો આનંદ.

‘નયામાર્ગ’ના આ નવા માર્ગને હું અંતરના ઉમળકાથી વધાવું છું.

ડૉ. યોગેન્દ્ર વ્યાસ

પુર્વ ડીરેક્ટર, ભાષા–સાહીત્યભવન, ગુજરાત યુનીવર્સીટી, અમદાવાદ

સંપર્કઃ 347–સરસ્વતીનગર, અમદાવાદ–380 015 ફોનઃ 079-2675 2675

**********************************************************

** શ્રી. ઈન્દુકુમાર જાની, તંત્રીઃ ‘નયામાર્ગ’ પાક્ષીક, અને કાર્યકારી પ્રમુખઃ ‘ખેતવીકાસ પરીષદ’, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, આશ્રમ માર્ગ, અમદાવાદ–380 027

ફોનઃ કાર્યાલય– 079 2755 7772   ઘરેઃ– 079 2630 3415

One Comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s